સૌરાષ્ટ્ર – કચ્છ- ગુજરાતમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ
અપરએર સાયકલોનીક સરકયુલેશનની અસરથી અલગ અલગ દિવસે જુદા – જુદા વિસ્તારમાં વરસાદ પડશે : ૫૦% વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ, બાકીના ૫૦% વિસ્તારોમાં ૨ થી ૪ ઈંચ તો અમુક જગ્યાએ ૮ ઈંચથી પણ વધુ ખાબકશે
સમગ્ર રાજયમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે. જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૩ થી ૧૦ જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં ૫૦ ટકા વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ, બાકીના ૫૦ ટકા વિસ્તારોમાં ૨ થી ૪ ઈંચ તો અમુક જગ્યાએ ૮ ઈંચથી પણ વધુ કુલ વરસાદ આગાહી સમય દરમિયાન પડશે.
તેઓએ જણાવેલ કે મોન્સુન ટ્રફ રાજસ્થાનના ગંગાનગરથી નારનોલ, અલીગઢ, પટનાથી આસામ તરફ જાય છે. એક સાયકલોનીક સરકયુલેશન મધ્ય પશ્ચિમ અરબી સમુદ્રમાં અને લાગુ ઉત્તર અરબી સમુદ્રમાં ૫.૮ કિ.મી.ના લેવલે બહોળુ સરકયુલેશન છે. જેનો એક છેડો ગુજરાત નજીક પહોંચે છે. બીજુ એક અપરએર સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારમાં ૩.૧થી ૫.૮ના કિ.મી.ના લેવલ સુધી છે. એક ઓફસોર ટ્રફ નોર્થ મહારાષ્ટ્રથી કર્ણાટકના કિનારા સુધી છે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૩.૧ અને ૫.૮ કિ.મી.ના દક્ષિણ ઓડીસ્સાના દરિયાકિનારા નજીક છે. આવતા દિવસોમાં ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છને અપરએર સાયકલોનીક સરકયુલેશન અસરકર્તા રહેશે અને અલગ અલગ દિવસે અપરએર સાયકલોનીક સરકયુલેશનના લોકેશન આધારીત અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડશે. ઓવરઓલ ઘણા વિસ્તારો કવર થઈ જશે. તા.૪ જુલાઈથી વરસાદના વિસ્તાર વધવા લાગશે.
અશોકભાઈએ તા. ૩ થી ૧૦ જુલાઇ સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે. જેમાં ૫૦ ટકા વિસ્તારોમાં ૩૦ થી ૫૦ મી.મી. (દોઢ થી બે ઈંચ) અને ૫૦ ટકા વિસ્તારોમાં ૫૦ થી ૧૦૦ મી.મી. (૨ થી ૪ ઈંચ) અને કયાંક – કયાંક ૨૦૦ મી.મી. (૮ ઈંચ)થી પણ વધુ વરસાદ આગાહી સમય દરમિયાન પડવાની સંભાવના છે.