રાજકોટ યાર્ડમાં મણ ડુંગળીનો ન્યુનતમ ભાવ રૂા.40 ફિકસ નીચા ભાવે હરરાજી નહીં થાય

છેલ્લા કેટલાક સમયથી ડુંગળી ખેડુતોને રાતે પાણીએ રડાવી રહી છે. સતત નીચા ભાવના કારણે ખેડુતોની હાલત કફોડી બની છે. સામે દલાલો અને વેપારીઓ પણ નીચા ભાવથી મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવે દલાલો અને વેપારીઓએ ડુંગળીના ભાવ સ્થિર રાખવા વિચારણા કરી છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડના માંગ ડુંગળીના ન્યુનતમ ભાવ મણના રૂા.40 ફિકસ કરવામાં આવ્યા છે. આ ભાવથી નીચા ભાવે હરરાજી કરવામાં નહીં આવે. આ વખતે ગરમીની સીઝન વ્હેલી શરૂ થઈ જતા ગરમીનો પારો ઉંચકાયો છે. જેના કારણે મોટાભાગે માલ બગડવાની શકયતાઓ છે શાકભાજીના ભાવ ઉંચા છે પરંતુ ડુંગળીના ભાવ તળીયે બેસી ગયા છે ખેડુતોને યાર્ડમાં લઈ આવવા માટેનુ ભાડુ પણ માથે પડે છે.

          આવક તો થતી નથી ઉપરથી નુકશાનીની ભરપાઈ કરવાની નોબત આવી છે આ વખતે ડુંગળીની બે સીઝનની આવક એક સાથે યાર્ડમાં ઠલવાતા આ પરીસ્થિતિ સર્જાય છે. માત્ર રાજકોટ જ નહી પરંતુ તમામ યાર્ડની આ જ હાલત છે. ગોંડલ, જસદણ સહિતના સેન્ટરોમાંથી પણ રાજકોટ યાર્ડમાં ડુંગળીઓ ઠલવાય રહી છે. આવક સામે નિકાલનો પ્રશ્ર્ન પણ ઉભો થયો છે. 15 દિવસથી ડુંગળીના ભાવ મણે રૂા. 20 થી 21 બોલાતા હતા. જેના કારણે ખેડુતોમાં નારાજગી ફેલાઈ ગઈ હતી ત્યારે હવે દલાલો અને વેપારીઓ સંમત થઈ એક ભાવ ફીકસ કરવામાં આવ્યો છે હવે યાર્ડમાં ડુંગળીનો ન્યુનતમ ભાવ રૂા. 40 નકકી કરવામાં આવ્યો છે. આ ભાવથી નીચા ભાવે હરરાજી નહી થાય. જેથી ખેડુતો ને પણ વ્યાજબી ભાવ મળી રહે.

ગરમીના કારણે કેટલોક માલ બગડી જાય છે. આથી દલાલો અને વેપારીઓ ખરીદી કરવામાં વિચારણા કરે છે. આવા માલનું શું કરવું તે અંગે દલાલને વેપારીઓ આગામી સમયમાં સમયમાં નકકી કરાશે. આ તાબડતોડ નિર્ણય યાર્ડમાં આજથી જ લાગુ કરવામાં આવશે. ડુંગળી વેચનાર ખેડુતને નાણા મળવાને બદલે સામા દેવાના કિસ્સાથી હાલ તંત્ર સ્તબ્ધ છે

રાજકોટ યાર્ડમાં ખેડુતે 1050 કિલો ડુંગળી વેચી, કમાણી થવાને બદલે રૂા.131 ‘સામા’ દેવાનો વારો આવ્યો
બુધવારનું બીલ વાઈરલ મણનો રૂા. 21નો ભાવ- રૂા. 495 મળવાની સામે 626 નો ભાડા-મજુરી ખર્ચ

ડુંગળીના ભાવ તળીયે જતા ખેડુતોની હાલત કપરી બની છે. ખેડુતોને કમાણી કરવાની બદલે સામે દેવાદાર જેવી સ્થિતિ સર્જાય છે. બુધવારે ધુતારપુર ગામના ખેડુત રાજકોટ યાર્ડમાં ડુંગળી વેચવા માટે આવ્યા હતા તેને વળતર તો ન મળ્યુ પરંતુ સામે રૂા.131 ચૂકવવા પડયા હતા. આ ચોકાવનારો કિસ્સો સામે આવતા તંત્ર પણ સ્તબ્ધ થઈ છે અને યોગ્ય પગલા લેવા વિચારણા કરી રહી છે. ધુતારપુર ગામના ખેડુત જમનભાઈ કુંવરજીભાઈ પહેલી માર્ચના રોજ રાજકોટ યાર્ડમાં કુલ 472 કિલો ડુંગળી લઈને આવ્યા હતા. એક મણનો ભાવ તેને રૂા. 21 મળ્યો હતો તેને પોતાની ડુંગળી વેચવાના પૈસા રૂા.495 મળ્યા હતા જયારે ખરાજત તેને રૂા.626 થઈ હતી. આમ તેને રૂા.131 સામે ચૂકવવા પડયા હતા. જયારે ઉતરાઈ ખર્ચ રૂા.36.40 થયો હતો અને ટ્રક ભાડુ રૂા.590 થયુ હતું. ખેડુતને ડુંગળી વેચવા માટે સામે પૈસા ચૂકવવાના થતા ખેડુતના આંખમાં પાણી આવી ગયા હતા. ખેડુતોએ આપવીતી જણાવતા કહ્યું કે તેને જે પૈસા ચૂકવવા પડયા એ માત્ર ઘરથી યાર્ડ સુધીનો ખર્ચ હતો. આ ઉપરાંત વાવેતરનો ખર્ચ મજુરી ખર્ચ એ તો આમા કોઈ સમાવેશ જ નથી. અનેક ખેડુતો આ નુકશાની સામે માલ ફેકી દેવાનું યોગ્ય ગણી પોતાનો અનેક ગણો માલ ગાયોને ખવડાવી દે છે.

આ માત્ર રાજકોટની આસપાસના ગામોના ખેડુતો નહી પરંતુ અન્ય તાલુકાના ખેડુતોની પણ આજ હાલત છે. ડુંગળી સીઝન વખતે ખેડુતને અથવા તો ગ્રાહકોને રડાવે જ છે. ડુંગળીના સ્ટોરેજ નથી કરી શકાતો. વાવેતર અને ઉત્પાદન વધારે છે. બધો પાક એક સાથે આવ્યો છે તેમજ અનેક સેન્ટરોમાંથી આવ્યો છે. સ્ટોરેજ ન થતા પુરવઠો વધી ગયો છે. જેથી ભાવ નીચા ગયા હતા. ખેડુતોને પુરતા ભાવ મળે અને સામે ગ્રાહકોને પર ઉંચા પૈસા ન ચૂકવવા પડે તે માટે સરકારે ઓનિયન પોલીસી બનાવવી જોઈએ. આ અંગે સરકારને રજુઆત પણ કરી છે. આ દિશામાં બંને તેટલુ વ્હેલુ નિર્ણય લેવા માંગ કરી છે.

Krushikhoj WhatsApp Group