અમરેલીના બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા ભારે પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. આ વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ ભારે બફારાથી લોકોને રાહત મળી હતી.

વાયુ વાવાઝોડાનાં કારણે રાજ્યમાં મેઘરાજાની શાનદાર એન્ટ્રી થયા બાદ વરસાદે વિરામ લીધો હતો જેના કારણે ગરમી અને બફારાથી પ્રજાજનો ત્રાસી ગયા હતા. તેવામાં આજે સમગ્ર રાજ્યમાં અનેક શહેરો અને જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 23થી 25 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કેટલાક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ છે અને પશ્ચિમ રાજસ્થાનમાં ટર્ફ આકાર પામ્યું છે. આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બેસી શકે છે. લો પ્રેશર અને ટર્ફની અસર હેઠળ નેઋત્યનું ચોમાસુ બેસી શકે છે.

ત્યાં જ આજે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સરધાર આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. રાજકોટ તાલુકાનાં સરધાર અને આસપાસના ગામડાઓમાં ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. અને ખેડુતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને પવનના સુસવાટા સાથે જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. ગોધરા, મોરવા હડફ, કાલોલમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ઝાલોદ, લીમખેડા, સંજેલી, ફતેપુરામાં વરસાદ પડ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગરબાડા, ધાનપુર, દેવગઢ બારીયામાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. લીમડીની કાંતીકંચન સોસાયટીમાં પાણી ભરાયા હતાં. કરંબા રોડ પર પાણી ફરી વળતા લોકોની મુશ્કેલીઓ વધી હતી.

પાટણ જિલ્લાનામાં પણ આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. અવે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતાં. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ખુબ જ વરસાદ ખાબક્યો હતો અને લોકોએ બફારાથી રાહતનો અનુભવ કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. ડીસામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યાં જ ડીસામાં વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદ થતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી.

Krushikhoj WhatsApp Group