દેશમાંથી એગ્રી પ્રોડક્ટની નિકાસને વેગ આપવા માટે સતત પ્રયત્નો થઇ રહ્યાં છે ત્યારે ઓર્ગેનિક પ્રોડક્ટની નિકાસમાં પણ ચાલુ વર્ષે જંગી વધારો થયો છે. વૈશ્વિક સ્તરે ઓર્ગેનિક વસ્તુઓની માગ સતત વધી રહી છે જેના કારણે 2018-19માં કુલ 5151 કરોડના મુલ્યની નિકાસ રહી હતી જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 3453 કરોડની હતી આમ સરેરાશ ગતવર્ષની સાપેક્ષમાં નિકાસ 49 ટકા સુધી વધી હોવાનું એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફુડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (અપેડા)ના અહેવાલમાં દર્શાવ્યું છે

ભારતમાં ઓર્ગેનિક પાકોનું કુલ ઉત્પાદન 2018-19 માં 26.7 લાખ ટન રહ્યું હતું જેમાં ખાસકરીને તેલીબિયાં, શેરડી, અનાજ તથા બાજરી, કોટન, કઠોળ તથા મેડિકલ પ્લાન્ટ્સ, ચા, ફળો, મસાલા, શાકભાજી અને કોફી વગેરે પાકોનું ઉત્પાદન થયું હતું. જોકે હજુ ઓર્ગેનિક વસ્તુઓનું ઉત્પાદન પુરતું ન હોવાનું અપેડાના પબન બોર્થાકૂરે જણાવ્યું હતું. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એ વાણિજ્ય મંત્રાલય હેઠળની સંસ્થા છે. ઓર્ગેનિક પ્રોડક્ટ કેટેગરી હેઠળ મુખ્ય માંગ ફ્લેક્સ સીડ, તલ અને સોયાબીનની છે; કઠોળ જેવા કે તુવેર (લાલ ગ્રામ), ચણા, ચા અને મેડિકલ પ્લાન્ટ્સની સાથે ચોખાની પણ મોટા પાયે માગ છે. બોર્થાકૂરે જણાવ્યું કે તાજેતરના વર્ષોમાં કેનેડા, તાઇવાન અને દક્ષિણ કોરિયાની માંગ વધી રહી છે, જર્મની એ ભારતીય ઓર્ગેનિક ઉત્પાદનોના સૌથી મોટા આયાતકારોમાંનું એક છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઘણા નવા દેશો પણ ખરીદી માટે રસ દાખવી રહ્યાં છે.

ઓર્ગેનિક કૃષિ પેદાશોની માંગ વિશ્વવ્યાપી સતત વધી રહી છે કેમ કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગ વિના કૃષિ પ્રણાલી હેઠળ ઓર્ગેનિક ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવે છે. 31 માર્ચ 2019 સુધીમાં, ઓર્ગેનિક સર્ટિફિકેશન પ્રક્રિયા હેઠળ કુલ વાવેતર વિસ્તાર 35.6 લાખ હેક્ટર હતું.

ઓર્ગેનિક ઉત્પાદનમાં MP ટોચના સ્થાને

દેશમાં સતત વધી રહેલી ઓર્ગેનિક વસ્તુઓની માગના કારણે મોટા ભાગના રાજ્યોમાં વાવેતર અને ઉત્પાદનની કામગીરી સતત વધી રહી છે. દેશના તમામ રાજ્યોમાં મધ્ય પ્રદેશમાં ઓર્ગેનિક સર્ટિફિકેટ હેઠળના સૌથી મોટા વિસ્તારનો સમાવેશ થાય છે, ત્યારબાદ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ આવે છે. 2018-19 દરમિયાન નિકાસનો કુલ જથ્થો 6.14 લાખ મેટ્રિક ટન રહ્યો હતો

Krushikhoj WhatsApp Group