રાજકોટ : બેડી યાર્ડ બહાર સોમવારે ચક્કાજામ અને પથ્થરમારના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કુવાડવા પોલીસ મથકમાં દલાલ એસોસિએશન પ્રમુખ અતુલ કમાણી, યાર્ડના ડિરેકટર વલ્લભભાઈ, અન્ય વેપારીઓ, મજૂરો સહિત 300 જેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે રાયોટિંગ, ફરજમાં રૂકાવટ, રસ્તા બંધ સહિતના ગુનાઓ દાખલ કર્યા છે બીજી તરફ વેપારીને માર મારવા અને પથ્થરમારાની ઘટનાને કારણે આજથી અચોક્કસ મુદત સુધી યાર્ડ બંધનું એલાન આપવામાં આવ્યું છે.
આજે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે યાર્ડ ખાતે એસઆરપી સહિત પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી બાજું જિલ્લા કલેક્ટરે યાર્ડમાં મચ્છરોનો ત્રાસ દૂર કરવા કાર્યવાહી શરૂ કરી છે
સોમવારે બેડી યાર્ડ ખાતે દલાલ એસોસિયેશન, વેપારીઓ અને સત્તાધીશો વચ્ચે મહત્ત્વની બેઠક યોજાવાની હતી પરંતુ બેઠક પહેલા જ બેડી યાર્ડમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ગામના લોકો, યાર્ડના મજૂરો અને અન્ય લોકો વેપારીઓ દ્વારા રાજકોટ મોરબી હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રસ્તા પર ટાયર સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે પણ બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.