નબળી ગુણવત્તાના બહાને માલ રિજેક્ટ કરાતાં ખેડૂતે સસ્તામાં વેંચી દેવો પડે છે, પછીથી એજ માલ ટેકામાં ઘૂસેડી દેવાય છે !

બે મહિનાના કોરોના લોકડાઉન અને કમોસમી વરસાદે કિસાનોની માઠી નોતરી છે. આટલું ઓછું હોય તેમ ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ગોલમાલ, આગતર વાવેતર માટે સિંચાઈ નીર છોડવામાં ઢીલ, બિયારણ-ખાતર ખરીદવાના પૈસાની તંગી અને તેમ છતાં ફક્ત આઠ દિવસ માટે ધિરાણની રકમ જમા કરાવવાની બિનવ્યવહારૂ ઔપચારિકતા સહિતના પ્રશ્નોથી ખેડૂતો ઘેરાયા છે. ભાજપની જ સહયોગી પાંખ એવા ભારતીય કિસાન સંઘે આ મામલે શાસકોને ઢંઢોળ્યા છે.

ખેડૂતોએ લીધેલાં પાક ધિારણ પરના ૭ ટકા વ્યાજમાંથી ૪ ટકા કેન્દ્ર અને ૩ ટકા રાજ્ય સરકાર ભોગવતી હોવાથી વ્યાજની તો સબસીડી મળે છે પરંતુ સ્હેજે’ય લાખ રૂપિયા જેવી મુદ્દલ એપ્રિલ-મે મહિનામાં જમા કરાવી દેવી પડે છે. આ પછી, એક જ સપ્તાહમાં એ જ બેંકમાંથી એ જ રકમ ખેડૂતને નવી સીઝનના પાક ધિરાણ રૂપે પાચી મળવાની જ હોય છે. ભારતીય કિસાન સંઘના રાજકોટ જિલ્લા પ્રમુખ દિલીપ સખિયાએ કહ્યું કે તાજેતરના કોરોના લોકડાઉનમાં ખેડૂતો માલ વેંચી નથી શક્યા, યાર્ડો અને કારખાનાં બંધ હતા તેવામાં હવે તત્કાલ માલ વેંચવા જાય તો મામૂલી ભાવ ઉપજે છે અને નુકસાની ખમવી પડે છે. માત્ર આઠ દિવસ પૂરતી પૈસાની આ રીતે વ્યવસ્થા કરવા જતાં ખેડૂતો ખંખેરાય છે. આથી, કિસાન સંઘની માગણી છે કે ધિરાણ રોટેશન એમનેમ (વગર જમા કરાવ્યે) થઈ શકે તેવી વ્યવસ્થા આ વર્ષ પૂરતી હોવી જોઈએ.

રાજકોટ જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદન આપવામાં આવ્યું તેમાં એવો આક્રોશ પણ દાખવવામાં આવ્યો હતો કે ટેકાના રૂ.૧૦૭૧ ના ભાવે કપાસ વેંચવા જતા અનેક ખેડૂતોનો માલ નબળો હોવાના બહાને રીજેક્ટ કરાય છે, જેથી તેણે રૂ.૭૦૦-૮૦૦ માં બહાર વેંચી દેવો પડે છે, પરંતુ એ જ માલ પછીથી જીનર્સ વગેરેની સાંઠગાંઠથી ટેકાના માલમાં ઘૂસાડી દેવાય છે. આ ઉપરાંત, ઘઉંની ટેકાની ખરીદી ખૂબ ધીમી ચાલે છે. એ.પી.એમ.સી. એક્ટમાં સરકારે કરેલા ફેરફાર (ખેડૂત યાર્ડ સિવાય પણ ગમે ત્યાં માલ વેચી શકે, એપીએમસી બોર્ડની ચૂંટણીમાં બે વાર જ ઊભા રહી શકાય, ખેડૂત પેનલની બેઠકોમાં વધારો વગેરે) ખેડૂતોના હિતમાં હોવા છતાં યાર્ડોના સંચાલકોએ તેમાં સુધારા માટે દબાણ આણ્યું છે, જેનો કિસાન સંઘે વિરોધ કર્યો હતો.

Krushikhoj WhatsApp Group