સૌરાષ્ટ્રમાં ઉત્પાદીત મગફળીની દુનિયાના અનેક દેશોમાં બોલબાલા છે જ અને કેટલાંક રાષ્ટ્રોમાં સીધી નિકાસ થાય છે. હવે રશિયા પણ સૌરાષ્ટ્રની મગફળી ખરીદવાનુ હોય તેમ મોટામાં મોટી સ્નેકસ કંપની અવંતાના પ્રતિનિધિઓ તથા અન્ય વેપારીઓ ગોંડલ યાર્ડમાં આવ્યા છે.
ગોંડલ-રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાંથી કૃષિ જણસીઓ ખરીદવા માટે વખતોવખત જુદા-જુદા દેશોના વેપારીઓ આવતા જ હતા હવે પ્રથમ વખત રશિયન વેપારીઓ આવ્યા હતા. ગોંડલ યાર્ડની મુલાકાત લઈને મગફળી તથા અન્ય જણસીઓની ઈન્કવાયરી કરી હતી. ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ કહ્યું કે રશિયન વેપારીઓને મગફળી ઉપરાંત ધાણા-જીરૂ અને મરચામાં પણ રસ પડયો છે અને ચારેય કૃષિચીજો વિશે માહિતી મેળવી હતી.
રશિયાની સૌથી મોટી સ્નેકસ કંપનીના પ્રતિનિધિ પણ તેમાં સામેલ હતા. ગોંડલમાંથી વેપારીઓ મારફત 15 દેશોમાં મગફળીની નિકાસ થાય જ છે અને હવે રશિયાનો ઉમેરો થયો છે. મગફળી-મરચા જેવી ચીજોમાં ગોંડલનું મોટુ નામ હોવાનુ ઉલ્લેખનીય છે. મગફળીની વેલ્યુ એડેડ પ્રોડકટ એવી પીનર બટરની તો દુનિયાભરમાં નિકાસ થાય છે. આ દ્રષ્ટિએ સૌરાષ્ટ્રની મગફળી સીધી કે આડકતરી રીતે વિશ્વભરમાં પહોંચે જ છે.
રશિયન વેપારીઓનું ચેરમેન અલ્પેશ ઢોલરીયા તથા વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સન્માન કર્યુ હતું. યાર્ડમાં ખેડુતોની સુવિધા, હરરાજી પ્રક્રિયા, વ્યવસ્થાથી પણ તેઓએ માહિતી મેળવી હતી.
