રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં તલના ભાવ લગભગ છેલ્લા એકાદ સપ્તાહથી રૂ.૩૦૦૦ આજુબાજુ હતા દરમિયાન તાજેતરમાં તલની ખરીદી માટે સાઉથ કોરિયાના ટેન્ડર પ્રસિધ્ધ થતા તલના ભાવમાં વધુ તેજી આવી છે, પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૩૧૩૦ એ પહોંચ્યો છે.

વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં સાઉથ કોરિયાએ ૧૫૦૦૦ મેટ્રિક ટન તલની ખરીદી માટેનું ટેન્ડર પ્રસિધ્ધ કરતા ભાવ ઉંચકાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ વર્ષે ઉનાળુ તલમાં ગત વર્ષની તુલનાએ સવાયું ઉત્પાદન આવ્યું છે છતાં બજાર જળવાઇ રહેતા ખેડૂતો ખુશખુશાલ છે.

વેપારીઓએ જણાવ્યું હતું કે હાલ રાજકોટ માર્કેટ યાર્ડમાં સફેદ તલના પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૨૬૦૦થી ૩૧૩૦ છે. જ્યારે કાળા તલનો ભાવ પ્રતિ ૨૦ કિલોના ૨૫૩૧થી ૨૮૩૦ સુધી રહ્યો છે. વેપારીઓના મતે સફેદ તલના ભાવ કાળા તલ કરતા વધી જાય તેવું જવલ્લે જ બનતું હોય છે.

સાઉથ કોરિયાના ટેન્ડરને પગલે નિકાસકારોની ખરીદી શરૂ થતાં હાલ તલનું બજાર ઉંચકાયું છે અને હજુ બે મહિના સુધી મતલબ કે જૂન માસના અંત સુધી લેવાલી સારી રહેશે જેથી તલના ભાવ ઘટશે તો પણ મર્યાદાથી નીચે ઘટશે નહીં અને ખેડૂતોને વ્યાજબી ભાવ મળી રહેશે તેવું હાલ દેખાય રહ્યું છે

Krushikhoj WhatsApp Group