કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તે અંતર્ગત ડુંગળીની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળની મંત્રીઓની સમિતિએ ડુંગળીની નિકાસને મંજૂરી આપી દીધી છે. દેશમાં ડુંગળીની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેની સમયમર્યાદા 31 માર્ચ 2024 સુધીની નક્કી કરી હતી, પરંતુ સમયમર્યાદા પૂરી થાય તે પહેલા જ આ પ્રતિબંધ કેન્દ્ર સરકારે હટાવી દીધો છે.
ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મંત્રીઓની સમિતિની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. જો પ્રતિબંધ હટાવવા પાછળના કારણોની વાત કરીએ તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીના સ્ટોકને જોતા સરકારે આ મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ડુંગળીના ખેડૂતોની સ્થિતિ વિશે માહિતી આપી હતી, ત્યારબાદ ચર્ચા કર્યા પછી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી
અગાઉના ઘણા અહેવાલોમાં, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવાની યોજના બનાવી રહી છે. આનું મુખ્ય કારણ ડુંગળી ઉત્પાદક વિસ્તારોમાં ડુંગળી અને અન્ય શાકભાજીના ભાવમાં ઘટાડો હોવાનું કહેવાય છે. હવે કેન્દ્રીય મંત્રીઓની સમિતિએ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે અને 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. આ સાથે બાંગ્લાદેશમાં 50,000 ટન ડુંગળીની નિકાસને પણ મંજૂરી આપવામાં આવી છે.