સરકાર ટેકાના ભાવે ઘઉં ખરીદશે, 10 મે સુધી રજિસ્ટ્રેશન

કોરોનાએ સર્જેલી મહામુશ્કેલીઓ અને લોકડાઉનની સ્થિતિમાં અત્યારે ખેડૂતોને એમનું ઉત્પાદન વેચવું મુશ્કેલ બન્યું છે. જોકે આ સંજોગોમાં રાજ્ય સરકારે રાહતના સમાચાર આપ્યા છે. સરકારે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે.

ગુજરાત સરકાર દ્વારા મૂકાયેલા વર્ષ 2019-20ના ત્રીજા અગ્રિમ અંદાજ મુજબ રાજ્યમાં 40.36 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થવાની ધારણા છે, જે વર્ષ 2018-19ના 24.07 લાખ ટનના અંદાજ કરતા 67 ટકા ઉંચો અંદાજ છે. કેન્દ્ર સરકારે વર્ષ 2019-20ની રવિ સિઝન માટે ઘઉંનો ટેકાનો ભાવ 85 રૂપિયા વધારીને રૂ. 1925 પ્રતિ ક્વિન્ટલ કર્યો છે.

ખેડૂતોએ રવિ સિઝનમાં પકવેલા ઘઉંની 27થી 30મી એપ્રિલ સુધી ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા થશે. આ માટે ખેડૂતોએ 27મી. એપ્રિલથી 10મી મે દરમિયાન રજિસ્ટ્રેશન પણ કરવાનું રહેશે. આમ તો પહેલા 1 માર્ચથી 31 માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું હતું અને 16 માર્ચથી 30 મે સુધી ખરીદીનો સમય હતો.

આ સમય મર્યાદામાં 29 હજાર ખેડૂતનું રજિસ્ટ્રેશન 23મી માર્ચ સુધીમાં થયું હતું. જોકે કોરોનાને લીધેલા સર્જાયેલી મહામારી ફેલાતા ને ચારેતરફ લગાવાયેલા લોકડાઉનને લીધે ખરીદી તેમ જ રજિસ્ટ્રેશનની કામગીરી 24 માર્ચથી મોકૂફ રાખવામાં આવી હતી. જોકે હવે 27 એપ્રિલથી 30 મે સુધી ખરીદી પુનઃ હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. જે ખેડૂતોએ અગાઉ 23 માર્ચ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેવા ખેડૂતોના ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર પડશે નહીં.

Krushikhoj WhatsApp Group