ગાંધીનગર : રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં પડેલા અતિભારે વરસાદ ઉપરાંત ખાબકેલા વાવાઝોડાંના પગલે ખેડૂતો પાયમાલીની ગર્તામાં ધકેલાઈ ગયા છે. આ સંજોગોમાં તેમના ઊભા મોલ ખરાબ થઈ જવાના કારણે ભારે નુકસાની થતાં દેવાના ડૂંગર તળે દબાઈ ગયા છે. ત્યારે મૂળી તાલુકાના દુધઈ ગામે રહેતા એક ખેડૂતે મૂળી પોલીસ સ્ટેશનમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવા અરજી કરી છે.
આ અરજીની વિગતો એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામે રહેતા ખેડૂત રાજુભાઈ મેરામભાઈ કરપડાએ જણાવ્યું છે કે, દુધાઈ ગામે તેમના ખેતરનો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ રૂ. 1 લાખ 50 હજાર 539નો વીમો લીધો હતો. અને તેના ભાગરૂપે વીમા પ્રિમિયમની રકમ રૂ.7514 પણ મૂળી તાલુકાની સરલા શાખામાંથી કાપવામાં આવી છે. અને ચાલુ મોસમમાં પાક વીમો લીધો હતો. પરંતુ ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ ખૂબ જ હોવાથી અને કમોસમી વરસાદના કારણે પાક સદંતર નિષ્ફળ ગયો છે.
વીમાની રકમ મેળવવા માટે તમામ કાર્યવાહી કરાઈ
કરપડાએ પોતાની અરજીમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની મૂળી તાલુકાની સરલા શાખાના મેનેજરની વિરૂદ્ધ પોલીસમાં ફરીયાદની અરજી કરી છે. જેમાં તેમણે એવો આરોપ લગાવ્યો છે કે, સરકારના નિયમ પ્રમાણે પાક વીમાનું પ્રિમિયમ ચૂકવ્યું હતું. અને ચાલુ વર્ષના ચોમાસા અને માવઠાના કારણે પાકને થયેલા નુકસાન સંદર્ભે સરકારની જાહેરાત અનુસાર નિયત સમય મર્યાદામાં નુકસાનીનો સરવે કરવા માટે અરજી પણ કરી હતી. અને જે સંદર્ભે બેન્ક દ્વારા સ્થળ પર આવીને પાક નુકસાનનો સરવે હજુ સુધી કરવામાં આવ્યો નથી અને સરકારી નિયમ પ્રમાણે અરજી કર્યાને દસ દિવસ કરતાં પણ વધારે સમય વીતવા છતાં જવાબદાર બેન્ક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે બેન્ક સત્તાવાળાઓ સમક્ષ અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં બેન્ક દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી.
બેન્ક દ્વારા ઉડાઉ જવાબ
ખેડૂતે પોતાની પોલીસ ફરીયાદની અરજીમાં કહ્યું છે કે, પાકના નુકસાન અંગે સરવે કરવા અરજી કરી હોવા છતાં બેન્ક દ્વારા કોઈ સરવે કરવા આવ્યું ન હોવાનું બેન્ક સત્તાધીશોને રૂબરૂ મળીને રજૂઆત કરી તો બેન્ક મેનેજર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવેલો કે આવો વીમો જો અમે બધાને દેવા બેસીએ તો પૂરું પડે નહિ. આ પ્રકારનો જવાબ આપીને પાક વીમાની રકમ ચૂકવવા માંગતા નથી એવો પણ આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
છેતરપિંડીનો ગુનો દાખલ કરવા માગણી
રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી છે કે જે ખેડૂતોએ પાક વીમો નહિ લીધો હોય તેમને પણ તેમના પાકને થયેલા નુકસાનનું વળતર નિયમ પ્રમાણે આપવામાં આવશે. આ પ્રકારની સરકારની જાહેરાત હોવા છતાં પણ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની મૂળીની સરલા શાખા દ્વારા જે પ્રકારનો વ્યવહાર ખેડૂતો સાથે કરવામાં આવી રહ્યો છે ત્યારે સરકાર પોતાના હસ્તકની અને દેશની મોટી બેન્ક સામે કેવા પગલાં ભરશે એ એક મોટો સવાલ છે. પણ આ કિસ્સામાં તો ખેડૂતે પાક વીમો લીધો છે અને તેનું પ્રિમિયમ પણ ભર્યું છે અને પાક નુકસાનીની અરજી પણ આપી હોવા છતાં કોઈ કાર્યવાહી બેન્ક દ્વારા ન કરાતાં બેન્ક સામે છેતરપિંડી કરી હોવાનો ગુનો દાખલ કરવા ખેડૂત રાજુભાઈએ માગણી કરી છે.