હળદર એક ફાયદા અનેક
ડૉ.મીનાક્ષી તિવારી, પ્રો.એન.કે.જાદવ અને ડૉ.પી.ડી. વર્મા
વૈજ્ઞાનિક ( ગૃહવિજ્ઞાન), વૈજ્ઞાનિક ( બાગાયત), વરિષઠ વૈજ્ઞાનિક અને વડા
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, દેડીયાપાડા, નર્મદા, ગુજરાત
ઈતિહાસ :-ભારતમાં હળદર હજારો વર્ષથી આયુર્વેદિક ઔષધિ તરીકે વપરાતી આવી છે. સૌ પ્રથમ તેને રંગકામ માટે વાપરવામાં આવી અને ત્યાર બાદ તે ઔષધિ સ્વરૂપે વપરાઈ હતી હળદર (અંગ્રેજી: Turmeric; વૈજ્ઞાનિક નામ: Curcuma longa) / વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ ઝિન્ઝિબરેસી કુળની એક બહુવર્ષાયુ વનસ્પતિ છે જે ગાંઠમાંથી (પ્રરોહ, ગાંઠામૂળી) ઉગતા નાનકડા છોડ સ્વરૂપે જોવા મળે છે આ વનસ્પતિ દક્ષિણ એશિયાના સમશીતોષ્ણ વિસ્તારની વતની છે. તેને વિકાસ માટે ૨૦°સે થી ૩૦°સે જેટલું ઉષ્ણતામાન અને સારા પ્રમાણમાં વરસાદની જરૂર રહે છે.તેના મૂળની ગાંઠો મેળવવા માટે આ વનસ્પતિની ખેતી થાય છે. બીજા વરસની ખેતી માટે અમુક ગાંઠો સૂકવીને સાચવી રાખવામાં આવે છે.
પ્રસ્તાવના :- ભારત અને પાકિસ્તાન એ હળદર ઉત્પાદન કરતા મુખ્ય દેશો છે. હળદરને અંગ્રેજીમાં ટરમરીક કહે છે આ નામ લેટિન શબ્દ ટેરા મેરીટા (terra merita) (merited earth, આદર્શ મૃદા) કે ટાર્મેરાઈટ પરથી પડ્યું છે.કુર્કુમા એ તત્વનું નામ અરેબિક ભાષા પરથી પડ્યું છે જેમાં કેસર અને હળદર માટે તે નામ વપરાય છે. હળદરને લાંબે ગાળે વાપરવા માટે તેની ગાંઠોને અમુક સમય સુધી ઉકાળીને (લગભગ ૩૦-૪૫ મિનિટ) ગરમ ભઠ્ઠીમાં સુકવવામાં આવે છે.આવી રીતે સુકવેલા હળદરના ગાંગડાને પીસીને તેમાંથી કેસરિયા પીળાશ પડતા રંગનો ભૂકો મળે છે. આ ભૂકો દક્ષિણ એશિયાની રસોઈમાં, મધ્ય પૂર્વની રસોઈમાં, ડાઇ કરવાના ઉધ્યોગમાં, રાઇમાંથી બનતા મસાલાને રંગ આપવામાં , વાપરવામાં આવે છે. હળદરમાં કુર્કુમિન નામનો સક્રીય પદાર્થ હોય છે. જેને કારણે હળદરને આંશિક માટી જેવો, આંશિક કડવો અને હકલી મરી જેવો તીખાશ ભરેલો સ્વાદ હોય છે. તેની સોડમ થોડી થોડી રાઇ જેવી હોય છે. આ કુર્કુમીન નામનો પદાર્થ ઘણાં રોગ જેવા કે કેન્સર, અલ્ઝાઈમર, મધુપ્રમેહ, એલર્જીઓ, આર્થીટીસ અને અન્ય હઠીલા રોગો પર અસરકારક જણાયો છે. હળદર એ પ્રાકૃતિક વનસ્પતિય પદાર્થ હોવાથી તેના પર પેટન્ટ લગાડી શકાતી નથી.
રાસાયણિક બંધારણ
હળદર ના સૌથી મહત્ત્વપૂર્ણ રાસાયણિક પદાર્થ કુર્કુમિનોઈડસ (Curcuminoids) નામના સંયોજનોનો સમૂહ હોય છે. આ સંયોજનો કુર્કુમીન (ડાઈફેરુલ્યોલમીથેન), ડીમીથોક્સિકુર્કુમીન અને બાઈસમીથોક્સિકુર્કુમીન હોય છે. તેમાંથી સૌથી વધારે સંશોધન પામેલ તત્ત્વ છે કુર્કુમીન. કાચી હળદરમાં ૦.૩-૫.૪% જેટલું કુર્કુમીન હોય છે. તબિયતના સંદર્ભે હળદરનું સૌથી ઉપયોગિ તત્વ કુર્કુમીન છે અને માનવ શરીર માટે તે બિનઝેરી છે. આ સિવાય તેમાં અન્ય મહત્તવ્પૂર્ણ બાષ્પશીલ તેલ હોય છે જેમ કે ટ્યુમેરોન, એટલાન્ટોન અને ઝેંગીબેરીન. તે સિવાય હળદરમાં અમુક શર્કરાઓ, પ્રોટીન અને ખાધ્યરેષા હોય છે. દક્ષિણ અને અગ્નિ એશિયાના જંગલોમાં હળદર ઊગી નીકળે છે. એશિયન વાઙીઓમાં હળદર એક મુખ્ય પદાર્થ હોય છે. હળદરમા રહેલા ઔષધીય ગુણોને કારણે આયુર્વેદ હળદરનો રસોઈમાં ઉપયોગ કરવાની સલાહ આપે છે. દક્ષિણભારતીય રસોઈમાં હળદરનો રંગ લાવવા માટે વિશેષ ઉપયોગ થતો નથી.
દક્ષિણ એશિયાના ખંડ છોડીને હળદર અન્ય દેશોમાં કસ્ટર્ડ જેવો પીળો રંગ આપવા માટે વપરાય છે. હળદરનો ઉપયોગ કેનમાં આવતા પીણાં, દુઘ ઉત્પાદનો, આઈસક્રીમ, યોગર્ટ, પીળી કેક, સંતરાનો રસ, બિસ્કીટ, પોપ કોર્ન, મીઠાઈઓ, કેકની સજાવટ, સીરિયલ્સ, સૉસ, જિલેટીન વગેરે બનાવવા માટે થાય છે. વ્યાપારી ધોરણે બનાવવામાં આવતા મસાલામાં હળદર એક મુખ્ય પદાર્થ હોય છે
પ્રાથમિક વૈદકીય સંશોધન
હળદરમાં રહેલા પ્રાકૃતિક રસાયણોની કેન્સર, મનોભ્રંશ (અલ્ઝાઈમર) , સંધિવા, મધુપ્રમેહ વગેરે જેવા રોગો પર અસર વિષે સંશોધન ચાલુ છે. આમ ઉપરના પ્રાથમિક સંશોધનમાં જણાયું છે કે હળદરમાંના રસાયણો ઉંદર પર થયેલા પ્રયોગમાં સ્વાદુપિંડના દાહની તીવ્રતા ઓછી કરવામાં સફળ રહ્યાં હતાં. એક રિપોર્ટ અનુસાર કુર્કુમિન અને હળદર પર સંશોધન વધી રહ્યું છે. સપ્ટેમ્બર ૨૦૧૨ સુધી યુ એસના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ હેલ્થ દ્વારા કુર્કુમિન પર ૭૧ સ્વાસ્થ્ય સંશોધન પરીક્ષણો નોંધાવ્યા હતા. દક્ષિણ ભારતમાં હંગામી કે કાયમી ધોરણે સૂકી હળદરની ગાંઠને દોરી સાથે બાંધી મંગલસૂત્રના ના વિકલ્પ તરીકે વપરાય છે. હિંદુ વિવાહ કાયદામાં પણ આ રીતિને માન્યતા મળેલી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિઓમાં થાલી માળાએ લગ્નની વીંટી સમાન હોય છે. મરાઠી અને કોંકણી સંસ્કૃતિમાં કંકણબંધન નામની વિધીમાં હળદરની ગાંઠને યુગલની કલાઈ પર બાંધવામાં આવે છે.
રોજનાં જમવામાં કચુંબર તરીકે વપરાતી લીલી હળદર અને શાક દાળ કઢી વગેરેમાં વપરાતી સૂકી હળદર આપણા શરીર માટે ખૂબ અગત્ય ધરાવતી કુદરતે આપેલી એક અનમોલ ભેટ છે. એવી ચીજ છે. આયુર્વેદમાં હળદરનો મહિમા ઘણા વખતથી જણાવ્યો છે. પરદેશમાં પ્રયોગોથી સિધ્ધ કરેલી હળદરના મનુષ્યનાં શરીર માટેના અનેક લાભદાયી ઉપાયો અને ઉપચારો વિશે જાણીએ તો.
૧.કેન્સર થતુ અટકાવે છે: સિગારેટ પીવાથી થતા ફેફસાનાં કેન્સરમાં રક્ષણ આપતું કામ હળદર કરે છે. આ માટે જવાબદાર હળદરમાં રહેલાં બીટાકેરોટીન છે. કેન્સરની અસરને કારણે જ્યારે કોષ એકબીજાની સાથે ચોટેં છે અને ગાંઠ થાય તે ક્રિયા (મ્યુટેજીનિસિટી) ને અટકાવે છે.
૨.એઈડ્સનાં રોગમાં રાહત આપે છે: કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોએ હળદરનો એક્સ્ટ્રેક્ટ ક્યુરકુમીનનો એઈડ્સનાં રોગીઓમાં પ્રયોગ કર્યો ત્યારે તેમને એઈડ્સનાં દર્દમાં ઘણી રાહત થઈ અને બીજી દવાઓની સાથે આપવાથી દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થયો.
૩.સાંધાના વા અને રૂમેરોઈડ આર્થાઈટીસ: આજકાલ ઉમર વધવાની સાથે સાથે સાંધાઓમાં દુ:ખાવાની એક સામાન્ય ફરીયાદ બની ગઇ છે. આ દુ:ખાવાને દુર કરવા માટે સામાન્યત: લોકો એલોપેથિક દવઓનો ઉપયોગ કરતા હોઇ છે. જે લાંબા ગાળે ખુબ જ નુકશાન કરતા છે. તેનાંથી એલોપેથીક દવાથી બચી શકાય છે. જેથી રોજ એક ચમચી સવારે અને સાંજે હળદરનો રસ તાજો પિવાથી વાના દર્દીઓને દુ:ખાવામાં રાહત થઈ જશે.
૪.પેટનો ગેસ અને ઝાડા: જ્યારે પેટમાં દુખે ત્યારે હળદરનો પાવડર અથવા લીલી હળદર રોજ ૨૫ ગ્રામ જેટલી લેવાથી ઝાડા અને પેટના ગેસના કારણે થતા દુ:ખાવામાં અદભૂત ફેર પડી જશે.
૫.અસ્થમા (દમ): રોજ એક ચમચી હળદરનો પાવડર અથવા બે ચમચી લીલી હળદર સવાર સાંજ લેવાતી દમના રોગીઓમાં શ્વાસનળી સંકોચાઈ જવાની ક્રિયા ઓછી થાય છે. આને લીધે દર્દી ઊંડો શ્વાસ લઈ શકે છે. ભરાયેલો કફ નીકળી જાય છે.
૬.હ્યદયરોગ: હળદરમાં કોલેસ્ટ્રોલ ઓછુ કરવાનાં ગુણ છે. પ્લેટલેટની એકબીજા સાથે ચોંટી જવાની ક્રિયા પણ ધીમી પડી જાય છે. હળદરમાં રહેલ બીટાકેરોટીનથી હ્યદયની કોરોનરી આર્ટરીમાં ક્લોટ (ગઠ્ઠો) થતો નથી. જેથી હ્યદયરોગ સામે રક્ષણ મળે છે.
૭.લિવરનો સોજો: હળદરનું મૂળ તત્વ ક્યુરકુમીન જ્યારે તમે નિયમિત લો તો લિવરમાં સોજો નહીં થાય. લિવર અને ગોલ બ્લેડરમાંથી નીકળતા બાઈટ સોલ્ટ હબીલીરૂબીન અને કોલેસ્ટ્રોલ પૂરેપૂરી રીતે નીકળશે. હળદરના ચમત્કારથી મોટી ઉંમરે પણ બાઈલ(પિત્ત) પૂરતા પ્રમાણમાં નીકળશે. જેથી મોટી ઉંમરે પણ ચરબીની પાચનક્રિયા સારી થતી હોવાથી તમે ખોરાકમાં ચરબી લેસો તો વાંધો નહી આવે. વાતાવરમાંથી તમારા શરીરમાં બધા જ ટોક્સિઝ (ઝેરી) પદાર્થોથી લિવરનું રક્ષણ હળદરથી થશે. નિયમિત હળદરનું સેવન કરવાથી વાઈરલ હિપેટાઇસ થવાની શક્યતા ઘટી જશે.
૮.હોજરીનો દુ:ખાવો અને અલ્સર: નિયમિત હળદર લેવાથી તમારી હોજરીની અંતરત્વચાનું રક્ષણ કરનાર મ્યુસીન વધારે પ્રમાણમાં ઉત્પન્ન થશે. આને લીધે હોજરીમાં ઉત્પન્ન થનાર એસિડને લીધે અલ્સર થશે નહીં અને પેટમાં દુખશે નહી.
૯.ચામડીની સુંદરતા: હળદર મોં વાટે લેવાથી તેમજ ગુલાબજળની સાથે મિશ્રણ કરી ચામડી ઉપર લેપ લગાડવાથી ચામડીની સુંદરતા વધે છે. ચામડીના રોગોમાં પણ રાહત આપે છે.
૧૦.કિડનીના રોગો: શરીરમાં ભરાયેલા કચરાને બહાર કાઢવામાં હળદરનું નિયમિત સેવન ખૂબ મદદ કરે છે.
૧૧.હળદરના પાવડરની પેસ્ટ બનાવી થતા ઉપયોગ: વાગવાથી દાઝવાથી થતી ચામડીની દરેક પ્રકારની તકલીફો તેમજ વાના દુખાવા માટે હળદરને ગુલાબજળની સાથે મિશ્રણ કરી બનાવેલ પેસ્ટથી ચામડીનો સોજો, ચોલવાથી થયેલ ઈજા અને સાંધા કે સ્નાયુના દુ:ખાવાને હળદરથી ઘણો બધો ફાયદો થાય છે.
૧૨.એનિમિયા: ૧૦૦ ગ્રામ હળદરમાં ૧૯ મિલીગ્રામ જેટલું આયર્ન અને ૫૦ ઈ.યુ. જેટલું વિટામિન એ હોય છે. હળદરનાં નિયમિત સેવનથી એનિમિયામાં અને આંખની જોવાની શક્તિ માટે ઘણો ફાયદો થાય છે.
હળદર ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત લીલી હળદર ૧૦ ગ્રામ જેટલી અને પાવડર રોજ બે ચમચી લેવાથી રોગપ્રતિકારકશક્તિ વધવાથી તમારું આરોગ્ય સારું રહેશે. નિયમિત હળદર ખાવ અને ખવડાવો.
- હળદરનો રામબાણ ઉપયોગ એટલે કે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધમાં એક ચમચી હળદર લેવાથી ઘણા બધા રોગોથી રક્ષણ મળે છે.
- એક ચપટી સરસ્યુ તેલ સાથે હળદળ અને મીઠું દાંત પર ઘસવાથી દાતનો દુખાવો બંધ થાય છે.