એકાદ માસ પહેલા ૩૦થી ૪૦ના કિલો વેચાતા ફુલાવર અને કોબીજ યાર્ડમાં એકથી બે રૂપિયે કિલોના ભાવથી વેચાતા હોવાની વિગતો મળી છે. શાકભાજી એટલા બધા સસ્તા થઈ ગયા છે કે પશુચારા માટે તેને ખરીદવામાં આવી રહ્યા છે. ખેતરેથી પણ માલ બારોબાર આપી દઈ ખેડૂતો ભાડું માથે પડતું અટકાવી રહ્યા છે. યાર્ડમાં ચિક્કાર આવકને પગલે કોબીજ, ફુલાવર, ટામેટા અને રીંગણના ભાવ ગગડયા છે. મેથીના ભાવ પણ ઘટી ગયા છે. જોકે, સૌથી વધુ આવક કોબીજ અને ફુલાવરની આવક થઈ રહી છે.
ખેડૂતોની આવક બમણી કરવાના દાવા વચ્ચે રાજકોટમાં જોવા મળી છે. ખેડૂતોની વરવી વાસ્તવિક્તા. રાજકોટ યાર્ડમાં ફુલાવર અને કોબીજ એક રૂપિયે કિલો વેચાતા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. શાકભાજીનું વાવેતર કર્યા બાદ સારા ભાવ મળવાની આશા રાખીને બેઠેલા ખેડૂતોની આશા ઠગારી નીવડી રહી છે. એકતરફ ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાના બણગા ફૂંકવામાં આવે છે. ત્યારે બીજી તરફ શાકભાજીમાં ઘટેલા ભાવથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. રાજકોટ યાર્ડમાં એક રૂપિયે કિલો ફુલાવર અને કોબીજ વેચાતાં ખેડૂતોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે.
શાકભાજીના સતત ઘટી રહેલા ભાવની કોઈ નોંધ પણ લેવાતી નથી. ફલાવર, કોબી, ટમેટાની સાથે સાથે વાલ, વટાણા, રીંગણા, ગુવાર, મચ્ચા સહિત તમામ શાકભાજીના ભાવ તળીયે ગયા છે. રોજ-રોજ ઉપરોકત તમામ શાકભાજીની પુષ્કળ ભારીઓ ઠલવાઈ રહી છે. તયારે આજે ખેડુતોએ સીઝનની સૌથી વધુ શાકભાજીની ભારીઓ ઉતારી છે. પરંતુ પાણીના મુલે શાકભાજીની ખરીદી થતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે.