ગુજરાતની અગ્રણી સમાચાર ચેનલ વી ટીવી દ્વારા રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો અને પશુપાલકોને સન્માન કરવા માટે કૃષિ રત્ન એવોર્ડનું આયોજન થયુ છે. જે ખેડૂતો અને પશુપાલકોએ પોતાના ક્ષેત્રમાં કઇક નવુ કરીને સફળતા મેળવી હોય તેમજ અન્યને પ્રેરણા આપી હોય તેઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. વી ટીવી કૃષિ રત્ન એવોર્ડના ‘નોલેજ પાર્ટનર’ તરીકે એગ્રીસાયન્સ નેટવર્ક જવાબદારી નિભાવશે. વી ટીવી કૃષિ રત્ન એવોર્ડ માટે તા.25 જાન્યુઆરી સુધી ખેડૂતો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. તમે ખેતી અથવા પશુપાલનમાં સફળતા મેળવી હોય તો આ અંગેની વિગત જણાવી રજીસ્ટ્રેશન કરાવી શકો છો. રજીસ્ટ્રેશન અંગેની વધુ માહિતી માટે વી ટીવીના હેલ્પલાઇન નંબર: 8320501418 ઉપર સંપર્ક કરવો.
વી ટીવી કૃષિ રત્ન એવોર્ડ હેઠળ આ વખતે શ્રેષ્ઠ ઇનોવેશન, શ્રેષ્ઠ ટેકનોલોજી, શ્રેષ્ઠ પશુપાલન, શ્રેષ્ઠ યુવા ખેડૂત અને શ્રેષ્ઠ ખેડૂત એમ કુલ પાંચ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે. હાલમાં રજીસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વી ટીવીની ટીમ દ્વારા વિવિધ માપદંડોના આધારે ખેડૂતોને શોર્ટ લીસ્ટ કરવામાં આવશે. આ રીતે શોર્ટ લીસ્ટ થયેલા ખેડૂતોની સફળગાથા વી ટીવી ઉપર રજુ થશે. આ બાદ આ શોર્ટ લીસ્ટમાંથી નિર્ણાયક ટીમ દ્વારા ફાઇનલ વિજેતા જાહેર થશે. વિજેતાઓને જાહેર સમારોહ યોજીને એવોર્ડ એનાયત કરવામાં આવશે.
વી ટીવી દ્વારા સતત ચોથી વખત કૃષિ રત્ન એવોર્ડનું આયોજન થયુ છે. આ પહેલા રાજકોટ, અમદાવાદ અને જુનાગઢમાં કૃષિ રત્ન એવોર્ડ સમારોહ યોજાઇ ચુક્યા છે. વર્ષ 2013થી વી ટીવી કૃષિ રત્ન એવોર્ડની શરૂઆત થઇ છે. અત્યાર સુધીના વિજેતાઓની વાત કરીએ તો બનાસકાંઠામાં દાડમની ખેતી કરતા પદ્મશ્રી ગેનાજી પટેલ, કચ્છમાં કેરીની ખેતી કરતા બટુકસિંહ જાડેજા, પશુપાલક મંદીકીનીબહેન સહિતના ખેડૂતો અને પશુપાલકો કૃષિ રત્ન એવોર્ડ મેળવી ચુક્યા છે.
પ્રગતિશીલ ખેડૂતોના કારણે ગુજરાતને કૃષિ ક્ષેત્રે અનેક સિધ્ધીઓ પ્રાપ્ત કરી છે. કપાસ, મગફળી, દિવેલા, જીરૂ, વરિયાળી, દાડમ, પપૈયાના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ અથવા બીજુ સ્થાન ધરાવે છે. સુક્ષ્મ પિયત અપવાવવામાં પણ ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં અગ્રેસર છે. ગુજરાતનો કૃષિ વિકાસ દર 9 ટકાથી ઉપર રહ્યો છે. દૂધ ઉત્પાદન અને એની વિતરણ વ્યવસ્થામાં પણ ગુજરાતે અનેક કિર્તીમાન પ્રાપ્ત કર્યા છે.