હવામાન વૈજ્ઞાનિકોએ ચાલુ વર્ષે ‘અલ-નીનો’ની આગાહી કરી છે. એટલે કે ભારતમાં વિતેલા ત્રણ વર્ષમાં ભરપુર વરસાદ પડ્યા બાદ હવે ચાલુ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ કે દુષ્કાળ પડવાની ચેતવણી આપી છે. ‘અલ-નીનો’ (What is El nino) એટલે શું અને વરસાદ વચ્ચે શું સંબંધ છે, જાણો
ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ભરપૂર વરસાદ પડ્યા બાદ હવે વર્ષ 2023 માં દૂષ્કાળનું જોખમ તોળાઇ રહ્યું છે. હવામાન વૈજ્ઞાનિકોએ ચાલુ વર્ષે ‘અલ- નીનો’ની ચેતવણી ઉચ્ચારી છે.’અલ- નીનો’ એ એક પર્યવારણીય ઘટનાક્રમ છે જેમાં ઓછો વરસાદ પડે છે અને તેના પરિણામે દૂષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભારતે છેલ્લા 20 વર્ષમાં ચાર વખત ‘અલ- નીનો’ આવ્યું છે અને તે વર્ષે દુષ્કાળ પડ્યો છે. ‘અલ- નીનો’ અને વરસાદ વચ્ચે શું સંબંધ છે અને આપણને કેવી રીતે અસર કરે છે હવે તે જાણીએ…
અલ નીનો શું છે ?
‘અલ- નીનો’ એક હવામાન ઘટના છે અને તેનો સીધો સંબધ વરસાદ સાથે છે. ‘અલ- નીનો’ એ પૂર્ ઇક્વેટોરિયલ પેસિફિક ઘટનાક્રમ છે, જે દર ત્રણ કે આઠ વર્ષે આવે છે અને તે 8 થી 10 મહિના સુધી ચાલે છે. ઉષ્ણકટિબંધીય પેસિફિકના વિષુવવૃત્તીય પ્રદેશમાં સમુદ્રના તાપમાન અને વાતાવરણીય પરિસ્થિતિઓમાં ફેરફાર માટે જવાબદાર દરિયાઈ ઘટનાને અલ નીનો કહેવામાં આવે છે. તે દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારે સ્થિત એક્વાડોર, ચિલી અને પેરુના દેશોના દરિયાકાંઠાના દરિયાના પાણીમાં અમુક વર્ષો બાદ બનતી હવામાન ઘટના છે. અલ-નીનો કારણે સમુદ્રની સપાટીનું તાપમાન વધે અને ઓછો વરસાદ પડતા દૂષ્કાળ જેવી ગંભીર પરિસ્થિત સર્જાય છે. અલ નીનો એ સ્પેનિશ શબ્દ છે જેનો શાબ્દિક અર્થ થાય છે – નાનું બાળક. પેરુના માછીમારો દ્વારા બાળ ઇસુના નામ પર તેનું નામ રાખવામાં આવ્યું છે કારણ કે તેની અસરો સામાન્ય રીતે નાતાલની આસપાસ અનુભવાય છે.
અલ નીનો અને ચોમાસા- વરસાદ વચ્ચેનો સંબંધ
અલ-નીનો એટલે ચોમાસામાં ઓછા વરસાદના સંકેત અને તેને દૂષ્કાળ પડવાના જોખમ તરીકે જોવામાં આવે છે. આંકડા અનુસાર, જ્યારે અલ-નીનો સર્જાય તે વર્ષ દરમિયાન દેશમાં દુષ્કાળની 60 ટકા સંભાવના હોય છે. આ દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની 30 ટકા સંભાવના છે, જ્યારે સામાન્ય વરસાદ પડવાની સંભાવના માત્ર 10 ટકા જેટલી હોય છે. વૈજ્ઞાનિકોના મતે જો ઉનાળાની ઋતુમાં અલ નીનોની અસર જોવા મળે તો વરસાદમાં ઘટાડો થવાની શક્યતાઓ વધી જાય છે. લા-નીના શિયાળામાંથી (હાલ આપણે જે અનુભવી રહ્યા છીએ) ઉનાળાની અલ-નીનોની સ્થિતિમાં રૂપાંતર થવાથી વરસાદની ઘટ (15 ટકા)નું સૌથી મોટું જોખમ ઉભું કરે છે. મતલબ કે પ્રિ-મોન્સૂન અને વરસાદનું વિસ્તરણ નબળું પડે છે.
અલ-નીનોના તેના કોઈ ચોક્કસ નિયમ કે કાયદા નથી, જેનાથી જાણી શકાય કે તે કેવી રીતે વર્તન કરશે અને કેવી રીતે આગળ વધશે. ઉદાહરણ તરીકે, વર્ષ 1997 માં અલ- નિનોની સૌથી પ્રબળ અસર હોવા છતાં ચોમાસામાં 102 ટકા વરસાદ થયો હતો. તો વર્ષ 2004 માં અલ નીનોની અસર નબળી પડી હોવા છતાં તે વર્ષે ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને લગભગ 86 ટકા દેશ દૂષ્કાળની ઝપટમાં આવી ગયો હતો.